પોલિટીકલ:આજે અબડાસા સીટનું ભરેલું નાળિયેર ફુટશે, ઇતિહાસ દોહરાશે કે નવો ઇતિહાસ રચાશે ?
રોમાંચક પેટા ચૂંટણીનું પરિણામ બપોરે 3 વાગ્યા પહેલા આવી જવાની શક્યતા
371 ઇવીએમમાંથી શું ખુલશે તે જાણવા કચ્છભરમાં ઉત્તેજના
ગુજરાતની નંબર 1 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીએ ન માત્ર કચ્છમાં પરંતુ સમગ્ર રાજ્યમાં ભારે કુતુહલ અને ઉત્તેજના જગાવી છે ત્યારે મંગળવારે જાહેર થનારા પરિણામમાં આ સીટના રોમાંચક ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નવો ઇતિહાસ રચાશે એ જાણવાની ઉત્કંઠા પરાકાષ્ઠાએ પહોંચી છે.
સવારે 8 વાગ્યે પ્રથમ અડધો કલાક પોસ્ટલ બેલેટ ખુલ્યા પછી લખપત, અબડાસા અને નખત્રાણા એ ક્રમમાં 371 ઇવીએમ ખુલશે અને બપોરે 2થી 3 વાગ્યા સુધી ભર્યું નાળિયેર ફુટી જશે અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણીમાંથી કોણ ધારાસભ્ય બનશે એ નક્કી થઇ જશે, જો કે ત્રીજા પરિબળ તરીકે ઉપસી આવેલા શંકરસિંહ સમર્થિત હનીફ બાવા પડેયાર કેવું જોર બતાવશે એના પર પણ સાૈની મીટ મંડાયેલી છે. આ ચૂંટણી જંગમાં કુલ 10 ઉમેદવારોએ પોતાના કિસ્મત અજમાવ્યા છે. અને વૈવિધ્યસભર અબડાસા મત વિસ્તારના 2.35 લાખ મતદારો પૈકી 1.45 લાખ (61.82 ટકા) મતદારોએ પસંદગીનો કળશ કોના પર ઢોળ્યો છે એનો ખ્યાલ આવી જશે.
મતગણતરી માટે 700 કર્મી અને પોલીસ સજ્જ
ભુજની ઇજનેરી કોલેજના મતગણતરી કેન્દ્રમાં સવારે 8 વાગ્યે કાઉન્ટીંગ શરૂ થશે, અડધો કલાક પોસ્ટલ મતોની ગણના પછી 371 ઇવીએમ એક પછી એક ખુલશે પછી 371 ઇવીએમ એક પછી એક ખુલશે. આ સમગ્ર પ્રક્રિયા પાર પાડવા 700 જેટલા કર્મીઓ તેમજ પોલીસ વહેલી સવારથી જ સજ્જ થઇ જશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો