બેદરકારી:નિરોણા ડેમ, નદી વિસ્તારમાં વીજપોલ અકસ્માત નોતરશે.
યમદુત સમાન વીજલાઇનનો રૂટ બદલવા ઉઠતી માગ
નખત્રાણાના નિરોણામાં સિંચાઇ ડેમ અને નદી વિસ્તારમાં ઉભા કરાતાં વીજપોલ દુર કરી વીજલાઇનનો રૂટ બદલવા લોક માગ ઉઠી છે.ડેમ અને નદીના પટમાં વિવિધ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ઉભા કરાતા વીજ થાંભલા અકસ્માત નોતરશે. માલધારીઓ પોતાના પશુધન સાથે આવતા હોય છે જેથી મોટા અકસ્માતની ભીતિ દર્શાવાઇ રહી છે. નેશનલ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા વીજલાઇન પસાર કરવા મસમોટા વીજપોલ ઉભા કરાઇ રહ્યા છે. આ બંને વીજ થાંભલા વચ્ચે 500 જેટલું વિશેષ અંતર હોઇ, તેમાં લગાવવામાં આવનારા વીજ વાયરો નમી જશે અને ડેમમાં ભરાયેલા પાણીના સંપર્કમાં આવશે, જે ડેમમાં નહાવા જતા લોકો, પાણી પીવા જતા પશુઓ માટે યમદુત બનશે.
ઉપરાંત નદીમાં પણ બે વીજપોલ ઉભા કરાયા છે ત્યારે નદીમાં ભવિષ્યમાં પુર આવશે તો આ વીજ થાંભલા ધ્વસ્ત થઇ શકે છે, જેના કારણે પણ અકસ્માતનો ભય રહે છે. ખાનગી માલિકીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવી હોય તો રકમ ચુકવવી પડે પરંતુ આ રકમ ચુકવવી ન પડે તે માટે થાંભલા સરકારી જમીનમાંથી સિંચાઇ વિભાગની પરવાનગી વિના પસાર કરાઇ હોવાના આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પી.સી. ગઢવીએ કલેક્ટર, સિંચાઇ વિભાગ અને વીજ કંપનીના જવાબદારો સમક્ષ રજૂઆત કરી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો