કામગીરી:ભુજમાં એક જ સ્થળે તમામ કચ્છી હસ્તકળા કૃતિઓના કામણ પથરાયા.
પાંચ સંસ્થાઓના ‘કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ’નો આરંભ
કચ્છભરમાં પથરાયેલા હસ્તકળાના 8 હજાર જેટલા કારીગરો માટે કાર્યરત પાંચ સંસ્થાઓ દ્વારા આત્મ નિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સૂત્રને અપનાવીને આવા કલાકારો પ્રોત્સાહિત થાય તે હેતુથી ભુજમાં ‘કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ’નો આરંભ કરાયો છે જેમાં દિવાળીને લઇને કલાકૃતિઓના વેચાણ પર વિશેષ છૂટ આપવામા આવશે.
ભુજના હસ્તકળા રસિકોને તમામ કલાકારીગીરી જોવા, જાણવા અને સમજવા મળે તે હેતુથી શ્રુજન, કસબ, કલા રક્ષા, ખમીર અને વીઆરટીઆઇ એમ પાંચ સંસ્થા દ્વારા વી. ડી. હાઇસ્કૂલના રોડ પર ‘કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ’નો આરંભ કરવામા આવ્યો છે જેમાં કચ્છી હસ્તકલામાં દાયકાઓની કામગીરીથી તૈયાર થયેલા નવિન ઉત્પાદનો જોવા અને સમજવા મળશે. આ સ્થળે વિવિધ સમુદાયોના ભરતકામ, અજરખ પ્રિન્ટ, બાંધણી, બાટીક, ચર્મકલા સહિતની વસ્તુઓ દીપોત્સવને અનુલક્ષીને અડધા ભાવે મળશે તેમ સંસ્થાના સંચાલકો દ્વારા જણાવાયું હતું. એકજ ક્ષેત્રે કામ કરતી પાંચ સંસ્થાઓ સાથે જોડાઇને એક મંચ પર આવી હોય તેવો આ પ્રથમ પ્રયાસ છે. આમ થવાથી કોરોનાની વિકટ સ્થિતિમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા કારીગરોને નવું બળ મળશે. આયોજકોના જણાવ્યા પ્રમાણે બજારમાં હસ્તકળાની વસ્તુઓના નામે મશિનથી બનાવેલી વસ્તુઓને સસ્તા ભાવે વેચાણ કરાઇ રહ્યું છે જેમાં સરવાળે ગ્રાહક છેતરાય છે ત્યારે આ પ્રકારના સ્થળેથી હસ્તકલાઓ વિશે સાચી માહિતી આપવાનો એક પ્રયાસ કરવામા આવશે. પાંચે સંસ્થાઓ દ્વારા દીપોત્સવે હસ્તકળાના બજારને ફરી બેઠું કરવા માટેનું આ એક નવતર આયોજન કરવામા આવ્યું છે જેને લઇને કારીગરોને નવા કામ સાથે રોજગારીની તકો પણ વધશે તેમજ કલાને રૂબરૂ જોવાની શહેરીજનો તક પણ મળશે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો