શ્રદ્ધા:માંડવીના દરિયાસ્થાન મંદિરમાં 93 વર્ષથી પ્રજ્વલે છે અખંડ જ્યોત, અત્યાર સુધી 8.37 ટન દિવેલનો થયો ઉપયોગ
શ્રદ્ધા:માંડવીના દરિયાસ્થાન મંદિરમાં 93 વર્ષથી પ્રજ્વલે છે અખંડ જ્યોત, અત્યાર સુધી 8.37 ટન દિવેલનો થયો ઉપયોગ.
લોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ જન્મ જયંતીના દર વર્ષે ધામધૂમથી ઉજવણી થાય છે
માંડવી બંદરીય શહેરમાં વસવાટ કરતા લોકો સમુદ્રથી સુરક્ષિત રહે તે માટે દરિયાલાલ મંદિરમાં 93 વર્ષ પહેલાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. જે આજે અવરિતપણે ચાલું રહેતા અત્યાર સુધીમાં 8.37 ટન દિવેલની આહુતિ અપાઇ ચૂકી છે. ભવ્ય ભૂતકાળના સમયમાં દરિયાસ્થાન મંદિરને સમુદ્રના મોજા પંખાળતા હોવાની વાયકા મુજબ દરિયાદેવ કિનારે વસવાટ કરતાં લોકોની સામે રોદ્ર સ્વરૂપ ધારણ ન કરે અને રક્ષા કરે તે માટે સવંત 1983 ચૈત્ર સુદ બારસ બુધવારના ઠા.સ્વ. કેશવજી ચંદાના આર્થિક સહયોગથી રૂ.2000ની રકમ અખંડ જ્યોત માટે અર્પણ કરવામાં આવી હતી.
93 વર્ષ પહેલા સીંગતેલની અખંડ જ્યોત ચાલુ કરવામાં આવી, જે એક માસમાં 7.5 લિટર તેલની જરૂરિયાત મુજબ એક વર્ષમાં 90 લીટર આવી રીતે 93 વર્ષમાં 8.37 ટન દિવેલનો ખર્ચ લોહાણા સમાજે કર્યો છે. શહેરના લોહાણા સમાજ 264 ચૂલા દીઠ વાર્ષિક 50 રૂપિયા અખંડ જ્યોતના દિવેલ માટે ઉઘરાવવામાં આવી રહ્યાની પરંપરાગત પ્રથા વર્તમાન સમયમાં ચાલુ હોવાનું સમાજ પ્રમુખ ગોકુલભાઈ એન. તન્નાએ દિવ્યભાસ્કરની મુલાકાતમાં જણાવ્યું હતું.
પાકિસ્તાનના સિંધ પ્રાંતથી પ્રજ્જવલિત જ્યોત માંડવી લાવવામાં આવી હતી
લોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલનો જન્મ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયું હતું. તે જન્મ સ્થળેથી પ્રથમ લખપત તાલુકાના હમનખુડી ગામમાં જ્યોત લાવવામાં આવ્યા બાદ માંડવી શહેર અને જિલ્લામાં એક સદી પહેલા અખંડ જ્યોત દર્શન ચાલુ કરાઈ હોવાનું માંડવી લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ગણાત્રા (એડવોકેટ) વિગત ટાંકતા કહ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો