કચ્છમાં આજે કોરોનાના વધુ 20 કેસઃ જિલ્લામાં માસ ટેસ્ટીંગ- ઘરોઘર સર્વેલન્સ શરૂ
તહેવારોની પૂર્ણાહૂતિ અને શિયાળાના પ્રારંભ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. કચ્છમાં પણ એક તબક્કે સિંગલ ડિજીટ પર આવી ગયેલાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
આજે જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. અંજાર શહેરમાં 5 અને તાલુકામાં 2 મળી 7 કેસ નોંધાયા છે. નખત્રાણા તાલુકામાં 5 કેસ જ્યારે ભુજ અને ગાંધીધામ શહેરમાં 3-3 કેસ નોંધાયાં છે. મુંદરા તાલુકામાં 2 કેસ નોંધાયાં છે.
નવા 20 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસનો આંકડો 3051 પર પહોંચ્યો છે. જેમાંથી 2736 લોકો સાજા થઈ ગયા છે અને હાલ 198 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 71 લોકોના મોત નીપજી ચૂક્યાં છે.
કચ્છમાં માસ ટેસ્ટીંગ અને સર્વેલન્સ શરૂ કરાયું
રાજ્યના અન્ય જિલ્લા-શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કચ્છમાં પણ માસ ટેસ્ટીંગ અને હોટ સ્પોટ એરીયામાં સર્વેલન્સ વધારાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે દૈનિક અઢી હજાર ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હોવાનું જણાવ્યું છે. જિલ્લામથક ભુજમાં આજે વિવિધ વિસ્તારોમાં ડૉર ટૂ ડૉર સર્વે કરાયો હતો અને લોકોના ઓક્સિજન લેવલ-શરીરના ઉષ્ણાતામાનની તપાસ કરાઈ હતી. અંજારમાં શાક માર્કેટ ખાતે આરોગ્ય વિભાગે કાછિયાઓની સામૂહિક તપાસ કરી 113 જેટલાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કર્યાં હતા. જેમાંથી દસેક લોકોને કોરોનાની અસર હોવાનું નિદાન થયું હતું. રાપરમાં પણ મુખ્ય બજાર અને શાકભાજી માર્કેટમાં અંદાજે બસોથી વધુ વેપારીઓના ટેસ્ટ કરાયાં હતા. ખાસ કરીને જ્યાં લોકોની ભીડ વધુ એકઠી થાય છે તેવા ટેન્ટસીટી અને વિવિધ યાત્રાધામો ખાતે પણ આરોગ્ય તંત્રએ ટેસ્ટીંગ ટીમો તૈનાત કરી દીધી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો