કોરોના 2.0:કચ્છમાં કોરોનાની બીજી લહેર? : એક ઝાટકે 30 પોઝિટિવ.
36 દિવસ પહેલાં 15 ઓક્ટોબરે 31 પોઝિટિવ આવ્યા હતા
ઉત્સવ ઉજવવાના ઉમંગમાં સાવચેતી ભુલાતાં કેસ વધ્યા
ચાલુ માસના આરંભે કચ્છમાં કોરોનાના દર્દીઓ નોંધપાત્ર રીતે ઘટી રહ્યા હતા તેવામાં દિવાળીના તહેવારો આવતાં ઉજવણીના ઉમંગમાં સામાજિક અંતર અને મોઢે માસ્ક પહેરવા સહિતની સાવચેતી ભુલાઇ હોય તેમ શનિવારે એક ઝાટકે 30 લોકો કોવિડથી સંક્રમિત થયા હતા. ઓછા કેસ વખતે પણ અગ્ર રહેલા ભુજ અને તાલુકાના મળીને 17 દર્દી ચેપી વાયરસની ચપેટમાં આવ્યા હતા.
અગાઉ 15 ઓક્ટોબરે 31 પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો હતો અને છેલ્લે દિવાળી પૂર્વે તો એક આંકમાં દર્દીઓ નોંધાતા હતા પણ દીપોત્સવ સંપન્ન થતાં જ કોરોનાએ ફુંફાડો માર્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. શનિવારે કચ્છના શહેરોમાં 18 અને ગ્રામ્ય વિસ્તારોના 12 મળીને 30 લોકોના આરટી પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતાં બીજી લહેર શરૂ થાય તેવા એંધાણ મળ્યાં હતાં.
વિવિધ સ્થળોએ રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે તેના આંકડા જોડીએ તો કચ્છમાં ચિંતાજનક રીતે હવાથી ફેલાતો રોગ વકર્યો હોવાનું ચિત્ર સપાટીએ આવે છે.બીજી બાજુ તંત્રના દાવા મુજબ સરકારી રાહે સારવાર અપાય છે તેવી હોસ્પિટલમાં આજે પણ 930 અને ખાનગી હોસ્પિટલમાં 92 મળીને 1022 જેટલી પથારી ખાલી છે. મતલબ ઘરમાં આઇસોલેટ થઇને સારવાર લેતા દર્દીઓનું પ્રમાણ ઉંચું છે.
શનિવારે 16 લોકોને કોરોના મુક્ત જાહેર કરાતાં એક્ટિવ કેસનો આંક 212 થયો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોરોનાથી 71 મોત થયા હોવાનો દાવો તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે જેનો આંકડો બમણાની નજીક હોવાનું ખુદ આરોગ્ય સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો